પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૫
ગોંડલ, તા. ૮-૩-'૬૧
યોગીજી મહારાજના સખા સમાન નારણભાઈ શેઠ આવ્યા અને સમાચાર આપ્યા કે એક હરિભક્ત આવવાના હતા, પણ તેમની મોટરની બૅટરી બેસી ગઈ છે એટલે કદાચ નહિ આવી શકે.
આથી હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'આપણી પણ બૅટરી બેસી ગઈ છે તે સાજી થાય ત્યારે ઉઠાશે.' આવા રમૂજી વાર્તાલાપથી ઘણીવાર સ્વામીશ્રી દુઃખદ વાતાવરણને હળવું કરતા.
રાત્રે સૌ સ્વામીશ્રીના પગ દાબતા હતા. કોઈ બોલ્યું : 'હમણાં કોઈને મજા નથી આવતી. આપ માંદા પડ્યા એટલે બધાનો ઉત્સાહ ઊડી ગયો છે.'
'ઇંજિન બંધ પડી ગયું એટલે ડબ્બા છૂટા થઈ ગયા...' સ્વામીશ્રી બોલ્યા. બોલતાં બોલતાં એમના અશક્તિથી મ્લાન બનેલા મુખ ઉપર હાસ્યની આછી રેખાઓ ઊપસી આવી હતી.
કારણ, સ્વામીશ્રી એટલે ઉત્સાહ ! ઉત્સાહનું મૂર્તિમાન સ્વરૂપ-પ્રતીક જોવું હોય તો સ્વામીશ્રીમાં નિહાળવા મળે. એ પણ એમનાં જીવનનું એક અલૌકિક પાસું હતું. ક્ષણે ક્ષણે એમના રોમેરોમમાંથી ઉત્સાહનાં સ્ફુલિંગો વેરાતાં હોય. એમના ચાલવામાં, બોલવામાં, બેસવામાં, ઊઠવામાં દરેક ક્રિયામાં ઉત્સાહ ! ઉત્સાહ !! ભાગ્યે જ એમનું કોઈ એવું પ્રવચન હશે કે જેમાં એમના મુખેથી આ પંક્તિઓ નહિ નીકળી હોય :-
'બળભરી વાતો મુખે કરવી મોળી વાત કે'દિ ન ઉચ્ચરવી;
મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ.'
'મરતી મરતી કાન ન હલાવવી...'
'કટ કટ ક્રિયા કરવી...'
'બળમાં રહેવું...'
'ડંકો વગાડવો છે...'
- આવાં ભારોભાર ઉત્સાહપ્રેરક વચનો એમનાં મુખેથી સૌએ સાંભળ્યા છે. મૂઆને પણ જીવતા કરવાની શક્તિ એમની પ્રોત્સાહિત વાણીમાં હતી. તો પછી કોઈ જીવતા જીવને બળ-આત્મબળ આપવું, ઉત્સાહ પ્રેરવો એમને માટે કેટલું આસાન હશે ? કારણ એ જ કે એ ઉત્સાહનો સ્રોત ભગવત્-સાક્ષાત્કારનો હતો !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-10:
The only means of attaining liberation
“Thus, one who aspires for liberation should recognise God through these characteristics and seek refuge of that God. One should have complete faith in Him. One should perform His bhakti while remaining within the framework of his injunctions. This is the only means of attaining liberation.”
[Vartãl-10]